Humanist rationalist Association paranormal activity

અવાવરું મકાનમાંથી ભૂતના અવાજો

 કકડતી ઠંડી, ઠારી નાખતા ઠંડા પવનો, સુસવાટા અને એમાં જાળા બાજી ગયેલા ખંડેર મકાનમાંથી ભૂતના અવાજો.

Humanist rationalist Association paranormal activity
Haunted House myth debunked by rationalists

 

વાત દાહોદ શહેરની છે. શિયાળાનો સમય હતો. સુરજ ડૂબે, સાંજ પડે, અંધારું થાય એટલે આ સોસાયટીના મકાનમાંથી ભયજનક અવાજો શરુ થઈ જાય. અવાજો એવા ભયાનક  સાંજ પડે કોઈ ઘરની બહાર નીકળે નહિ, મહિલાઓ પોતાના બાળકોને રમવા મોકલે નહિ. જોત જોતામાં તો વાત આખા શહેરમાં પ્રસરી ગઈ માર્ગ પરથી પસાર થનાર લોકોને પગ ભારે લાગે, વાહન ચાલકોને સ્ટેરીંગ ભારે લાગે. પરિસ્થિતિ જોવા લોકો ત્યાં જાય પણ નજીક તો કોઈ જાય જ નહિ. સમાચાર પત્રોમાં આ રોજીંદી ઘટનાનો અહેવાલ છપાયો અને વાત દુનિયાભરમાં પહોચી ગઈ.

દિવ્ય ભાસ્કરમાં ઉપરોક્ત સમાચાર વાંચતા જ અમો સફાળા થઇ ગયા. હ્યુંમેનીસટ રેશનાલીસ્ટ એસોસીએશન ચાર ચાર સભ્યોની ટુકડીઓ એસોસીએશન પ્રમુખ શ્રી ડો. સુજાત વલીના માર્ગદર્શન હેઠળ અલગ અલગ વાહનોમાં રાત્રે ૯:૦૦ વાગ્યે ગોધરાથી નીકળી દાહોદ જવા પ્રસ્થાન થયા. રાત્રે ૧૧:૦૦ વાગ્યે અમે દાહોદ પહોચ્યા. નિયત સ્થળે પહોચી જોયું તો આજુ બાજુના મકાનોમાં ઘણા પરિવારો સુઈ ગયા હતા અને થોડાક લોકો સુઈ જવાની તૈયારીમાં હતા. બાજુમાં પાનના ગલ્લે બેચાર યુવાનો ઉભા હતા. તેઓ મકાનમાંથી આવતા વિચિત્ર અવાજો વિષે ચર્ચા કરતા સાંભળવા મળ્યું કે છેલ્લા પંદર દિવસથી મકાનમાંથી આવા અવાજો આવે છે. એક પડોસીને ઊંઘમાંથી જગાડીને મકાન માલિકનું નામ અને નંબર તારવી લીધા. મકાન માલિકને સમજાવ્યું કે અમો તપાસ કરવા માંગીએ છીએ. ઘરના માલિકે કહ્યું કે અમને પોતાને ચોક્કસ ખાત્રી છે કે મકાનમાં ભૂત જેવું કશું જ નથી, છતાં મારું કોઈ માને નહિ, હું ચાવી મોકલવું છું.” એટલે તરત જ તેમને નોકર સાથે ચાવી અમારા હાથ સુધી પહોચાડી. અમે તાળું ખોલવાનાજ હતા ત્યાજ એક યુવકે બુમ પાડી સાહેબ આ તાળું ખોલસો નહી. નહિ તો આ ભૂત બહાર આવી જશે પછી અમારું શું ! અમારા બાળકોનું શું!” જેમતેમ કરીને સમજાવટ બાદ જુનું ભારે ખમ તાળું અમે ખોલ્યું. મકાન ખોલતા જ ઓરડામાંથી જુનો સામાન પડતા એક ડરાવની ફિલ્મ જેવો એહસાસ થયો. અંદર જવા માટે સામાન હટાવવાની જરૂર હતી અને સામાન હટાવવા માટે વધુ વ્યક્તિઓની જરૂર હતી પરંતુ દુરથી જોઈ રહેલા લોકો માંથી કોઈ પણ નજીક આવવા તૈયાર ન હતું. થોડીક વાર પછી ટોળામાંથી બે ચાર યુવકો ડરતા ડરતા હિંમત કરી આગળ આવ્યા. સામાન હટાવી આગળ વધતાજ ભૂતના અવાજો ચાલુ થઇ ગયા. આ અવાજનો પીછો કરતા કરતા પ્રથમ માળ પર પહોચીયા. મકાનમાં પ્રકાશની કોઈ પણ વ્યવસ્થા હતી નહિ અમારા સીનીયર સભ્ય રમેશભાઈ ત્રિવેદી ટોર્ચ ચાલુ કરી આગળ જોયું. અવાજ ઉપરની તરફથી આવતો હતો પરંતુ ઉપર જવાની કોઈ વ્યવસ્થા હતી નહિ. મહિલાઓ પોતાના મકાનની બાલ્કની માંથી જોઈ રહી હતી. એસોસીએશનના સેક્રેટરી મુકુન્દ સિંધવ આજુ બાજુના લોકોને ભૂત પ્રેત જેવું કઈ હોતું નથી વગેરે બાબતો સમજાવી રહ્યા હતા. ઉપર અચાનકજ એક ઉડતી વસ્તુ સામે આવીને ગઈ. ટીમને ખબરજ ન પાડી કે શું હતું! ત્યાજ ઉભેલા સંસ્થાના સહમંત્રી દરેક હલચલ પર નજર રાખી રહ્યા હતા તેમને કહ્યું ડરવાની જરૂર નહિ આ એક પક્ષી હતું જે હમણાં સામેના ઘરના જુના ટીવી એન્ટીના પર બેઠું છે.”  ટીમના સભ્યો આ અવાજનું અવલોકન કરી તેનો પીછો કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. અવાજ ખરેખર ઉપરથી આવતો હોય તેમ જણાતું હતુંપરંતુ આ ૧૦ ૧૫ ફૂટ ઉભી દીવાલપર ચઢીને જોઈ સકાય તેવી કોઈ પણ વ્યવસ્થા હતીજ નહિ. ત્યાં ડો સુજાત વલી અને જયેશ શ્રીમાળીએ ઉપર સુધી પહોચવાની એક યોજના બનાવી તેમને હજાર યુવકોની મદદથી એક બીજાના ખાભાપર પગ મૂકી પીરામીડ બનાવ્યો. ટીમના નવ યુવાન સભ્ય અવિનાશ મિસ્ત્રીને ઉપર સુધી પહોચાડ્યા. તેમણે અવાજનું અવલોકન કરતા અવાજ આ દીવાલની ખૂણાના ભાગમાં આવેલ એક બખોલમાંથી આવતો હોવાનું માલુમ પડ્યું. હવે સ્પષ્ટ થઇ ગયું હતું કે આ ભૂતનું રહસ્ય આ બખોલમાં છે. પરંતુ આ માનવ પિરામિડની મદદથી પણ નજર બખોલમાં પહોચી શકે તેમ હતીજ નહિ. વળી પાતળી પાળી પર ઉભેલા લોકોનું બેલેન્સ ખોરવાતા પડીજવાનો પણ ડર હતો. બહાર ઉભેલા વ્યક્તિઓમાં ડર સાથે ગમગીની છવાયેલી હતી. અવિનાશ મિસ્ત્રીએ માંડ માંડ પોતાનો હાથમાં રહેલો કેમેરો બખોલ સુધી પહોચાડ્યો ભૂતનો અવાજ તો આ બખોલમાંથી આવતો જ હતો અને ત્યાજ કેમેરાની એલ.સી.ડી. સ્ક્રીન પર જોઈ તેઓ બોલી ઉઠ્યા ભૂત તો ખુબજ સુંદર છે. આ તો ઘુવડના ૩ સુંદર બચ્ચા છે. ઘુવડના બચ્ચાની આખો ચમકી રહી છે.” નીચે ઉભેલા લોકો એક બીજાની આખોમાં આખો મિલાવીને મનમાં ને મનમાં ધીમે ધીમે સ્મિત કરી રહ્યા હતા. સ્તબ્ધ થઈને બાલ્કનીમાં બેઠેલી મહિલાઓ એક બીજા સાથે મોટા આવાજ સાથે કલબલ કરતી દેખાતી હતી. એવું લાગતું હતું કે લોકોના ઉપર આવેલી ઘણી મોટી આપદા ટળી હોય. સભ્યો નીચે ઉતર્યા કેમેરામાં રેકોર્ડ થયેલી વિડીઓ જોવા માટે લોકો પડાપડી કરવા લાગ્યા. પાછલા પંદર દીવસથી જીવ હાથમાં લઈને ફરતા લોકોને હાશકારો થયો. અને આ બધું એ ટીવી એન્ટીના પર બેઠેલી માદા ઘુવડ જોઈ રહી હતી.

આ ભૂતનો પર્દાફાસ તો થયો લોકોના જીવમાં જીવ પણ આવ્યો પરંતુ તપાસ કરનાર ડો. સુજાત વલીની ટીમને હજુ પણ ઘણી તપાસ કરવાની બાકી હતી. જેમ કે આ બધી શરૂઆત કેવીરીતે થઇ? લોકોના મનમાં ડર આટલી હદ સુધી પહોચીયો કેવી રીતે? અડોસપડોસ, મકાનમાલિક અને સ્થાનિક લોકો સાથેની પૂછ પરછ કરતા ખબર પડી કે પાંચ વર્ષથી તે મકાન બંધ છે. ઘુવડ પોતાના ઈંડા એવી જગ્યાએ મુકે છે કે જ્યાં કોઈ પ્રાણી કે વ્યક્તિ પહોચી શકે નહિ આ મકાન પાછલા ઘણા વર્ષો થી બંધ હતું અને બહારની તરફની સીધી દીવાલની બખોલ સુધી કોઈ પણ પ્રાણી કે વ્યક્તિ પહોચી શકે નહિ માટે ઘુવડે આ જગ્યા પસંદ કરી હતી. આજુબાજુના કેટલાક રહીશોને મકાન ખરીદવામાં રસ છે. એવા સંજોગોમાં ઘુવડના બચ્ચા બાળપણનો કલબલાટ કરતા થઇ ગયા. બસ મકાન ખરીદવામાં રસ ધરાવનાર વ્યક્તિએ આ ભેદી અવાજને ભૂતના અવાજ તરીકે પ્રસિદ્ધ કરી દીધો. ચમત્કારોમાં માનવાવાળા લોકોએ આખો બંધ કરી આ વાતને સાચી માની લીધીઆ વાત ઓટલેથી ગલ્લાઓ સુધી અને શહેર અને દુનિયા સુધી ફેલાઈ ગઈ. લોકોના ડરે આ આગમાં ઘી નાખવાનું કામ કર્યું.

સંસ્થાએ પોતાનો વિગતવાર અહેવાલ પ્રસ્તુત કર્યો જેની નોંધ તમામ વર્તમાન પત્રોએ લીધી, તેના દ્વારા લોકોના મનમાં રહેલી ખોટી માન્યતાઓ પણ દુર થઇ. આપણા પ્રદેશમાં જયારે કોઈ અલૌકિક, ઘટનાઓ બને છે અને તેનું કારણ ખબર ન હોય ત્યારે લોકો દ્વારા તેને ચમત્કાર કે ભૂતનું નામ આપી દેવામાં આવે છે. અને આ વાત જોત જોતામાં પવનવેગે દરેકના મનમાં ઘર કરી જાય છે. ચમત્કારી બાબાઓના ચમત્કારિક કિસ્સામાં પણ આવુજ થતું હોય છે અને કોઈ પણ પ્રકારની તપાસ કર્યા વગર લોકો ત્યાં જોડાતા જાય છે. આવી ઘટનાઓ બને ત્યારે તેનાથી ડરવાના કે લાલચમાં આવ્યા વગર દરેક વ્યક્તિએ વૈજ્ઞાનિક અભિગમ રાખી તેની તપાસ કરવી જોઈએ અને તેની પાછળનું કારણ શોધી કાઢવું જોઈએ…… 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *